જીવામૃત કેવી રીતે બનાવવું

જીવામૃત કેવી રીતે બનાવવું, તેનો ક્યાં ઉપયોગ કરી શકાય અને તેના ફાયદા શું છે?

ગાય આધારિત ખેતીમાં જીવામૃત એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે અથવા પ્રાકૃતિક ખેતી તેના દ્વારા જ કરવામાં આવે છે.

1 જીવામૃત કેવી રીતે બનાવવું, તેનો ક્યાં ઉપયોગ કરી શકાય અને તેના ફાયદા શું છે?

આ બધા પ્રશ્નોના જવાબો આપણે એક પછી એક વિગતવાર જાણીશું, તો ચાલો ખેડુત મિત્રો શરુ કરીએ કરતા પહેલા, તમામ ખેડૂત મિત્રો ને જય ગૌમાતા, નમસ્કાર! અને ત્યાર પછી આપણે ઘન જીવામૃત અને બીજામૃત વિશે પણ વિગતે ચર્ચા કરશુ.

ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા બેક્ટેરિયાના દ્રાવણને જીવામૃત અથવા અમૃતપાણી કહેવામાં આવે છે.

અમૃતપાણીમાં ઘણાં બેક્ટેરિયા હોય છે જે ખેતીમાં ઉપયોગી છે. સારી રીતે તૈયાર થયેલા જીવામૃતમાં લગભગ 6200 કરોડથી 7200 કરોડ બેક્ટેરિયા હોય છે.

2 જીવામૃત બનાવવાની રીત

અમૃતપાણી બનાવવાની ઘણી રીતો છે, પરંતુ મુખ્ય પદ્ધતિઓ જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તે નીચે મુજબ છે.

શ્રી લાલજીભાઈ સાવલીયા – બાઢડાવાળા
શ્રી ગોપાલભાઈ સુતરિયા – અમદાવાદ (ગૌ કૃપા અમૃતમ – બેક્ટેરિયલ કલ્ચર)
શ્રી રાજીવ દીક્ષિત
શ્રી સુભાષ પાલેકર – SPNF

વિવિધ મહાનુભાવોએ જીવામૃત બનાવવાની વિવિધ રીતો જણાવી હતી. પરંતુ આપણે બધી પદ્ધતિઓના મુખ્ય ઘટકો લઈશું અને તેમાંથી અમૃતપાણી બનાવીશું.

પ્રાકૃતિક ખેતીમાં ગાયની ચર્ચા કરતી વખતે એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે અહીં ગાય શબ્દનો ઉપયોગ માત્ર દેશી ગાયના સંદર્ભમાં જ થયો છે. અહીં વિદેશી જાતિની ગાયના છાણ કે ગૌમૂત્ર પર પ્રતિબંધ છે. અને એટલે જ આ ખેતી ને ગાય આધારિત ખેતી પણ કહેવામાં આવે છે.

જીવામૃત
ક્રમ
જરૂરી ઘટકો
ઘટકની માત્રા
1
દેશી ગાયનું ગૌમૂત્ર
8-10 લિટર
2
દેશી ગાયનું છાણ
10 કિલો
3
ગોળ
1 કિલો
4
કોઈપણ દાળનો લોટ અથવા ચણાનો લોટ
1 કિલો
5
જંગલની માટી અથવા ખેતરની માટી
500 ગ્રામ

(1) 200 લિટરનું એક ટીપણું લો, ઉપર દર્શાવેલ બધી વસ્તુઓને ટીપણામાં ઓગાળી લો અને પછી ટીપણું ખાલી હોય તેટલું પાણી ભરો.

(2) લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં રોજ સવાર-સાંજ બે-ત્રણ મિનિટ સુધી હલાવો અને એવીરીતે બે-ત્રણ દિવસ સુધી હલાવો.

(3) ટીપણાને કોથળાના બારદાનથી ઢાંકી દો અને ટીપણાને મકાનમાં કે ઝાડ નીચે રાખો.

બે-ત્રણ દિવસ પછી જીવામૃત ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે નીચે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ તૈયાર કરેલ જીવામૃતનો ઉનાળામાં સાત દિવસની અંદર ઉપયોગ કરવો જોઈએ.

તેમજ ઠંડા વાતાવરણમાં 8 થી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે, ત્યારબાદ તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે, તેથી તેની અસરકારકતા ઘટી જાય છે, તેથી તેનો પાકમાં ઉપયોગ કર્યા વિના તેને જમીનમાં નાખીને તેનો નાશ કરવો જોઈએ.

જીવામૃતનો ઉપયોગ

3 જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો.

અમૃતપાણી બે રીતે ઉપયોગી છે.
[a] પાકમાં ખાતર તરીકે ઉપયોગી.
[b] પાકમાં રોગ નિયંત્રણ માટે ઉપયોગી.

આવો જાણીએ જીવામૃતને જમીન પર રેડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

કોઈપણ પ્રકારના છોડ અથવા ઝાડને ખાતર તરીકે આપી શકાય છે.

અમૃતપાણી આપતી વખતે જમીનમાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ.

અમૃતપાણી પિયતની સાથે એકર દીઠ 200 થી 250 લિટર પાણીમાં આપવું જોઈએ.

વરસાદની મોસમમાં જમીન પર સીધું રેડી શકાય છે.

તે ટપક સિંચાઈ દ્વારા આપી શકાય છે.

ઉત્તમ પરિણામ મેળવવા માટે દર 15 થી 25 દિવસે ઉભા પાકમાં જીવામૃત આપવું જોઈએ.

બાગાયતમાં બપોરના 12 વાગ્યે ઝાડનો પડછાયો પડે તેવા વિસ્તારમાં 15 થી 20 દિવસમાં 3 લીટર જીવામૃત પ્રતિ ઝાડ આપવું જોઈએ.

જીવામૃતનો જંતુનાશક તરીકે ઉપયોગ કરવાની રીત.

કોઈપણ પાક પર જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે.

કોઈપણ છોડ અથવા ઝાડ પર ફૂગજન્ય રોગોને રોકવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ પ્રકારના રોગ નિયંત્રણ માટે પણ વાપરી શકાય છે.

16 લિટરના સ્પ્રે પંપમાં બેથી ત્રણ લિટર જીવામૃત અને પાણી ઉમેરીને કોઈપણ છોડ કે ઝાડ પર સીધો છંટકાવ કરી શકાય છે.

આમ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે દર 15 થી 20 દિવસે અમૃતપાણીનો છંટકાવ કરવો જોઈએ.

જીવામૃતના ફાયદા

4 જીવામૃતના ફાયદા

અમૃતપાણી આપવાથી ઉપરની માટી જીવંત બને છે જે તમામ પ્રકારના છોડ અને વૃક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જમીનમાં અળસિયા ઉપરની સપાટી પર આવે છે અને પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, હ્યુમિક એસિડ વગેરે પોષક તત્વો બનાવે છે.

જમીનમાં અનિચ્છનીય ફૂગનો નાશ કરે છે.

જ્યારે છોડ અથવા ઝાડ પર છાંટવામાં આવે ત્યારે તે જંતુનાશક તરીકે કાર્ય કરે છે.

જમીનને ઢીલી અને મુલાયમ રાખે છે જેથી વરસાદનું વધારાનું પાણી પાકને નુકસાન ન પહોંચાડે અને જમીનમાં ઉતરી જાય.

પાણીનો વપરાશ અટકે છે, તેથી પાણીનું સ્તર ઉચ્ચું આવે છે, અને સિંચાઈ ઓછી કરવી પડે છે કારણ કે જમીનમાં ભેજ જળવાઈ રહે છે.
હ્યુમસ જમીનમાં બને છે એટલે કે માટી જીવંત બને છે.

પ્રાકૃતિક ખેતી વિશે વધુ જાણવા માટે, અમારી વેબસાઇટની અન્ય પોસ્ટ્સ વાંચો અને જો તમને તેના વિશે અન્ય કોઈ પ્રશ્ન અથવા સૂચન હોય, તો અમને ટિપ્પણી બોક્સમાં જણાવો. આભાર.

admin

Hi, I am Hardev! If you are a fan of knowledge and wisdom then we are equally interested. I love entrepreneurship and content writing so much, I would love to serve you something new. So stay connected with me and enjoy it.

Leave a Reply